ગુજરાતમાં સત્તાવાર રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં, અવારનવાર દારૂને લઈને રાજકારણ ગરમાતું હોય છે. પરંતુ આ વખતે ખુદ શાસક પક્ષ ભાજપના સિનિયર અને કદાવર સાંસદ મનસુખ વસાવાએ જ રાજ્યમાં ચાલતી દારૂબંધીના લીરેલીરા ઉડાડતા હોય તેવું અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે.
કેમિકલયુક્ત ઝેરી દારૂ વેચાય છે
પોતાના બેબાક અંદાજ માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાએ સરાજાહેર સ્વીકાર્યું છે કે રાજ્યમાં પોલીસની રહેમનજર હેઠળ કેમિકલયુક્ત ઝેરી દારૂ વેચાઈ રહ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો છે.
ઘરે જાતે પરંપરાગત મહુડાનો શુદ્ધ દારૂ બનાવીને પીવે
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી સંબોધન કરતી વખતે સાંસદે દારૂ વેચતા બુટલેગરો અને સ્થાનિક વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આદિવાસી સમાજ અને સ્થાનિકોને સંબોધતા કહ્યું કે, "બુટલેગરો જે કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવડાવે છે અને લોકોની જિંદગી બગાડે છે, એના કરતાં તો આદિવાસીઓ ઘરે જાતે પરંપરાગત મહુડાનો શુદ્ધ દારૂ બનાવીને પીવે તે વધારે સારો છે."
રાજકારણનો 'ર' પણ ખબર નથી
ભાજપ સરકારના જ રાજમાં સાંસદ દ્વારા દારૂ પીવાની આવી ખુલ્લી સલાહ અપાતા રાજકીય આલમમાં મોટો ભૂકંપ આવી ગયો છે. પોતાના નિવેદનથી ચર્ચામાં આવેલા મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર ભાજપ સરકાર અને તેમની કામગીરી સામે સવાલો ઉઠાવનારાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિરોધીઓ પર નિશાન સાધતા કડક શબ્દોમાં કહ્યું કે, "જેમને રાજકારણનો 'ર' પણ ખબર નથી, તેવા લોકો આજે સોશિયલ મીડિયામાં બેઠા-બેઠા બીજેપીની કામગીરી અને વિકાસ પર સવાલો ઉઠાવી રહ્યા છે."
સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
જો કે, તેમની આ રાજકીય ટિપ્પણી કરતાં 'મહુડાના દારૂ' વાળું નિવેદન અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે અને ભાજપ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે તેમણે જ અરીસો દેખાડ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ