રાષ્ટ્રના લોખંડી પુરૂષ, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની પૂર્વ ઉજવણીના ભાગ રૂપે આયોજિત 'સરદાર@150' રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું 11 દિવસના સફળ પરિભ્રમણ બાદ આજે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ભવ્ય સમાપન થયું હતું. સરદાર સાહેબના જન્મસ્થાન કરમસદથી 26 નવેમ્બરે શરૂ થયેલી આ યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને 6 ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે પૂર્ણ થઈ હતી.


સમાપન સમારોહ ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા સહિત મંત્રીગણ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સરદારનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આ પદયાત્રાને 'ભારતના અમર આત્માનો ઉત્સવ' ગણાવતા કહ્યું હતું કે, આ યાત્રામાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે, 560થી વધુ રજવાડાઓને એકીકૃત કરીને એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે. દેશની 65 ટકા વસ્તી યુવા હોવાથી, 'યુથ પાવર' દેશની ઊર્જા, પ્રતિભા અને આકાંક્ષાઓનો અદ્વિતીય સ્રોત છે. તેમણે યુવાનોને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત, સશક્ત ભારત'ની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું અને ડ્રગ્સના ભરડાથી દૂર રહેવાની શીખ આપી હતી. તેમણે સરદાર સાહેબના આદર્શ વિચારોનો વારસો આજે 'આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત@2047'ના સંકલ્પમાં દેખાય છે તેમ જણાવ્યું હતું.

બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબને જનનેતા બનાવ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરદાર સાહેબના જીવન સંઘર્ષને યાદ કરતા કહ્યું કે, બારડોલી સત્યાગ્રહે તેમને દેશભરમાં મજબૂત અને કદાવર જનનેતાના રૂપમાં પ્રસ્થાપિત કર્યા હતા. તેમણે (સરદાર સાહેબે) ખેડૂતોને એકઠા કર્યા, આત્મવિશ્વાસ જગાવ્યો અને એકતાના સૂત્રમાં બાંધવાનું ભગીરથ કાર્ય કર્યું. આ વિજય અને તેમના નેતૃત્વને કારણે જ વલ્લભભાઈ પટેલને 'સરદાર' તરીકે સન્માનિત નામ મળ્યું. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે.

કલમ 370 નાબૂદી એ સરદાર સાહેબના સંકલ્પની પૂર્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોહપુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીનું આ વર્ષ રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતું ઐતિહાસિક વર્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરીને સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જીના "એક દેશ, એક કાયદો, એક બંધારણ" સ્થાપિત કરવાના સંકલ્પને સાકાર કર્યો છે. તેમણે યુનિટી માર્ચમાં જોડાયેલા યુવાનોની ઊર્જાને 'સકારાત્મક પગલું' ગણાવીને તેમને વિકસિત ભારત@2047ના નિર્માણમાં યોગદાન આપવા હાકલ કરી હતી.

યાત્રા સાચા અર્થમાં 'વિચારની યાત્રા' બની

કેન્દ્રીય રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, પોતે પણ કરમસદથી એકતાનગર સુધીની ૧૫૦ કિલોમીટરની અંતિમ તબક્કાની યાત્રામાં ચાર દિવસ જોડાયા હતા. સમગ્ર દેશમાં 1300 થી વધુ પદયાત્રાઓમાં 14 લાખથી વધુ યુવાનોની ભાગીદારી એ સિદ્ધ કરે છે કે સરદાર પટેલ દ્વારા પ્રજ્વલિત એકતાની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે. ખેડૂતોએ રસ્તામાં પાકેલા કેળા અને જામફળ ખવડાવીને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું અને આ પદયાત્રા ખરા અર્થમાં 'વિચારની યાત્રા' બની રહી. સમાપન સમારોહમાં ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવીને 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણના શપથ પણ ગ્રહણ કર્યા હતા.


આ પણ વાંચો - Kutch News: કચ્છ પોલીસનો સપાટો, રાપરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્ચો


  • Follow us on: