નવસારી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રૂપિયાની લેતીદેતીના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે પરિવારો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ હિંસક અથડામણમાં બંને પક્ષે મહિલાઓ સહિતના સભ્યો લોહીલુહાણ થયા હોવાની વિગતો સામે આવી છે.
બે પરિવારોએ એકબીજા પર કર્યો હુમલો
રૂપિયાના હિસાબ બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસામાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષોએ એકબીજા પર લાકડાના ફટકા અને છરા જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ બવાલમાં એક પુરુષનું માથું ફૂટી ગયું હતું, જ્યારે સામે પક્ષે એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.













