ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. નવસારી શહેર અને તેની આસપાસના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ આજે નવસારીના શહેરી વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. આ અણધાર્યા વરસાદના કારણે સમગ્ર પંથકમાં પ્રસરી ગયેલી ઠંડકથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
જૂનાથાણા, કાલીયાવાડી અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારો પાણી-પાણી
નવસારી શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થતાં જ રોડ-રસ્તાઓ ભીના થઈ ગયા હતા. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે જૂનાથાણા અને કાલીયાવાડીમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત, વેપારથી ધમધમતા પાંચ હાટડી, ટાવર રોડ, સ્ટેશન રોડ તેમજ વિજલપોર સહિતના તમામ ગીચ વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને પગલે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ વરસાદી મોસમનો આનંદ માણતા નજરે પડ્યા હતા.













