નવસારી શહેરના લુન્સીકૂઇ વિસ્તારમાં આજે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. વિકાસલક્ષી કામગીરી માટે કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન જેસીબી મશીનનો પંજો પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં વાગતા મોટું ભંગાણ સર્જાયું હતું. આ દુર્ઘટનાને કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી જતા જળ વેડફાટના દ્રશ્યો સર્જાયા હતા.


કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે ઉઠ્યા સવાલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, લુન્સીકૂઇ ખાતે ચાલતા કામ દરમિયાન જેસીબી ઓપરેટર દ્વારા પીવાના પાણીની લાઈન નજીક જ બેદરકારીપૂર્વક ખોદકામ કરવામાં આવ્યું હતું. પાઈપલાઈન તૂટતા જ પાણીનો ફૂવારો ઉડ્યો હતો અને જોતજોતામાં આસપાસના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. એક તરફ જ્યારે પાલિકા દ્વારા પાણી બચાવવાની વાતો કરવામાં આવે છે, અને અવારનવાર પાણી કાપ લાદવામાં આવે છે, ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરની આવી બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાણી પુરવઠો ખોરવાવાની ભીતિ

પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાવાની શક્યતા સેવાઈ રહી છે. હજારો લીટર પાણી વેડફાઈ ગયા બાદ મોડે મોડે તંત્ર સફાળું જાગ્યું હતું અને લાઈન રિપેરિંગની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. સ્થાનિક રહિશોની માગ છે કે, આવા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચો - Navsari: જમવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા


  • Follow us on: