દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે હોસ્પિટલ તંત્રની વહીવટી શિસ્ત અને વીજળીના બેફામ વ્યયને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સરકાર એક તરફ 'વીજળી બચાવો'ના મોટા-મોટા અભિયાનો ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓની આંખ નીચે જ વીજળીનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.


OPD અને ઇન્ડોર વિભાગમાં બેદરકારી સામે આવી

હોસ્પિટલના OPD (બહારના દર્દીઓનો વિભાગ) અને ઇન્ડોર વિભાગોમાં તપાસ દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. જે સમયગાળા દરમિયાન આ વિભાગો બંધ હતા અને ત્યાં કોઈ દર્દી કે સ્ટાફ હાજર નહોતો, તેવા સમયે પણ લાઈટો અને પંખાઓ ફૂલ સ્પીડમાં ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. સિવિલ તંત્રની આ નિંદ્રાધીન અવસ્થાને કારણે સરકારી મિલકત અને જનતાના ટેક્સના પૈસાનો ભારોભાર વ્યય થઈ રહ્યો છે.

હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ સામે ઉઠ્યા સવાલો

રાજ્ય સરકાર દ્વારા ઉર્જા બચાવવાના સંદેશા આપવામાં આવે છે, પરંતુ નવસારી સિવિલમાં આ આદેશોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. હોસ્પિટલના વોર્ડ બોયથી લઈને વહીવટી સ્ટાફ સુધી કોઈએ પણ રૂમની બહાર નીકળતી વખતે સ્વીચ બંધ કરવાની તસ્દી લીધી નહોતી. આ ઘટનાને પગલે હવે સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ અને જવાબદાર અધિકારીઓ સામે આંગળી ચીંધાઈ રહી છે કે, શું તેમની દેખરેખ હેઠળ આવી બેદરકારી ચલાવી લેવાશે?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: