નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી એક વાંદરાએ આતંક મચાવ્યો હતો. ખાસ કરીને વાંસી, બોરસી અને ઉભરાટ જેવા ગામોમાં આ કપિરાજ લોકો પર હુમલો કરી ક્ષણવારમાં ‘ટપલી’ મારીને ફરાર થઈ જતા હતા. આ વિચિત્ર અને ભયજનક ઉત્પાતને કારણે ગ્રામજનોમાં ફાળ પડી હતી. આ વાંદરો એટલો હિંસક અને ચપળ હતો કે તે અચાનક રહેણાંક વિસ્તારોમાં આવીને લોકો પર હુમલા કરતો હતો.


વાંસી, બોરસી, ઉભરાટ સહિતના ગામોમાં વાંદરાનો ત્રાસ

વારંવારની આવી ઘટનાઓથી બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. ગ્રામજનોએ આ કપિરાજના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે વન વિભાગને ઉગ્ર રજૂઆતો કરી હતી. ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જ હરકતમાં આવી હતી. વન વિભાગની ટીમે કેટલીક ખાનગી સંસ્થાઓના સહયોગથી આ વાંદરાને પકડવા માટે જાળ બિછાવી હતી.

વન વિભાગે મહામહેનતે હુમલાખોર વાંદરાને પાંજરે પૂર્યો

આખરે મહામહેનતે આ હુમલાખોર કપિરાજને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. વન વિભાગની સુપા રેન્જ દ્વારા આ વાંદરાને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ બાદ આ કપિરાજને માનવ વસ્તીથી દૂર કોઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમાચાર મળતા જ વાંસી-બોરસી અને ઉભરાટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: