નવસારી શહેરના સૌથી મહત્વના ગણાતા કલેક્ટર કચેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી એક મોટો ભુવો પડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જ્યાંથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ સતત પસાર થાય છે, ત્યાં જ પડેલા આ ભુવા પ્રત્યે તંત્રએ સંપૂર્ણ ઉદાસીનતા દાખવી હતી. આખરે, તંત્રની રાહ જોયા વગર સ્થાનિક લોકોએ જાતે જ મેદાનમાં ઉતરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


ભુવો પડ્યાને દિવસો વિત્યા છતા તંત્ર નિંદ્રામાં

કલેક્ટર કચેરી પાસે ભુવો પડ્યો હોવા છતાં દિવસો વીતવા છતાં સંબંધિત વિભાગ દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નહોતું. આ ભુવાને કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો હતો. તંત્રના આવા બિનજવાબદાર વલણથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જ્યારે વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગ્યું, ત્યારે સ્થાનિક લોકોએ 'સ્વયં સેવા'નો માર્ગ અપનાવ્યો.

તંત્રના ઉદાસીન વલણ સામે લોકોમાં નારાજગી

એક જાગૃત યુવાને અન્ય લોકોની મદદ લઈને આ જોખમી ભુવાને પૂરવાની કામગીરી હાથ ધરી હતી. કાટમાળ અને જરૂરી સામગ્રી લાવીને લોકોએ જાતે જ રસ્તાનું સમારકામ કરી દીધું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે નવસારીમાં 'તંત્ર ઊંઘતું રહ્યું અને જનતા જાગી'. લોકોની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે, જ્યારે તંત્રની આળસની ટીકા થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: