નવસારી શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. શહેરની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા એક શખ્સે માસૂમ ગલૂડિયાંઓ પર ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. અબોલ પ્રાણીઓ પ્રત્યે હીન કૃત્ય કરનાર રવિ ટંડેલ નામના શખ્સની નવસારી ટાઉન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશ રવિ ટંડેલે સોસાયટીમાં ફરતા માસૂમ ગલૂડિયાંઓને લાકડી કે અન્ય સાધન વડે અત્યંત ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો.


ક્રિષ્ના પાર્ક સોસાયટીના રવિ ટંડેલે માર્યો હતો માર

આ હુમલામાં એક ગલૂડિયાનો પગ તૂટી ગયો હતો, જ્યારે બીજા ગલૂડિયાને એટલો માર મારવામાં આવ્યો હતો કે તે અધમૂવું થઈ ગયું હતું. આ નિર્દયી કૃત્ય જોઈને સોસાયટીમાં રહેતી એક જાગૃત મહિલાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. સોસાયટીની જ મહિલાએ આ અમાનવીય ઘટના અંગે મૌન રહેવાને બદલે હિંમત દાખવી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

શ્વાન અત્યાચાર કરનાર રવિ ટંડેલની ધરપકડ કરી

મહિલાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે રવિ ટંડેલ વિરુદ્ધ એનિમલ ક્રુઅલ્ટી એક્ટ (પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી છે. અબોલ જીવો પર થતા અત્યાચાર સામે સોસાયટીની મહિલાએ જે જાગૃતિ બતાવી તેને પશુપ્રેમીઓ બિરદાવી રહ્યા છે. આ ઘટના પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવતા લોકો માટે એક ચેતવણી સમાન છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: