બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ભ્રષ્ટાચારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આરટીઓ (RTO) ફિટનેસ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરનાર કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. પાલનપુરના ચડોતર સ્થિત આરટીઓના GHV એનર્જી ફિટનેસ સેન્ટર પર ફરજ બજાવતા રહેમતુલા ઘોરી નામના કર્મચારીએ એક અરજદાર પાસેથી ગેરકાયદેસર નાણાંની માંગણી કરી હતી. આ મામલે પાટણ એસીબી (ACB)ની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા કર્મચારીને દબોચી લીધો છે.
રિક્ષાના ફિટનેશ સર્ટીફિકેટ માટે માંગી હતી લાંચ
એક અરજદાર પોતાની સીએનજી (CNG) રિક્ષાનું કોમર્શિયલ વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ફિટનેસ સેન્ટર પર ગયા હતા. આ સર્ટિફિકેટ આપવાના અવેજમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરનાર કર્મચારી રહેમતુલા ઘોરીએ રૂ.3000ની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પાટણ એસીબીની ટીમે ચડોતર ખાતે છટકું ગોઠવ્યું હતું, જેમાં કર્મચારી લાંચ લેતા પકડાઈ ગયો હતો.













