પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યો દ્વારા સામૂહિક રાજીનામા અપાતા સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.આ સંવેદનશીલ અને મહત્વના મામલે આજે શહેરા તાલુકા પંચાયત ખાતે એક હાઈવોલ્ટેજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી
મળતી વિગતો અનુસાર, રાજીનામું આપનાર અને ન આપનાર તમામ સભ્યો સહિત ગ્રામ પંચાયતના સરપંચને તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન અધિકારીઓ દ્વારા તમામ પક્ષોની રજૂઆતો અને દલીલો ખૂબ જ વિગતવાર સાંભળવામાં આવી હતી.આ વિવાદમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજીનામું આપનાર સભ્યો દ્વારા સરપંચ સામે લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી.સભ્યોનો આક્ષેપ છે કે પંચાયતના વિકાસ કામોમાં તેમનો વિશ્વાસ લેવામાં આવતો નથી.













