પંજાબના ફતેહગઢ સ્થિત સરહિન્દ રેલવે સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુપ્તચર વિભાગને મળેલા મહત્વના ઇનપુટ્સના આધારે રેલવે સ્ટેશનો આતંકીઓના ટાર્ગેટ પર હોવાની આશંકા સેવાઈ રહી છે. જેના પગલે પંચમહાલ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ગોધરા રેલવે સ્ટેશન પર આજે સવારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


બોમ્બ સ્ક્વોડ અને રેલવે પોલીસ એક્શનમાં

રેલવે પોલીસ (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ને સાથે રાખીને સમગ્ર સ્ટેશન પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગોધરા સ્ટેશનના પ્લેટફોર્મ, વેઈટિંગ રૂમ, પાર્કિંગ એરિયા અને ટ્રેક પાસે બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ ટ્રેનોમાં મુસાફરોની બેગ અને સામાનનું મેટલ ડિટેક્ટરની મદદથી ચેકિંગ કરાયું હતું.

મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ પર નજર રાખવા માટે સીસીટીવી ફૂટેજનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પંજાબની ઘટના બાદ ગુજરાતના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રેલવે પોલીસ દ્વારા મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ બિનવારસી વસ્તુ જોવા મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરે.


આ પણ વાંચો - Godhra news: પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું મોત



  • Follow us on: