પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ખરેડિયા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક સામસામે ટકરાતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર, શહેરાના ખરેડિયા ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક બાઇકના ચાલક ભારતભાઈ પટેલીયાનું માથામાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.


બંને બાઇકને મોટું નુકસાન થયું

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકને મોટું નુકસાન થયું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, એક ઇજાગ્રસ્ત યુવકને શરીરે વધુ ગંભીર ઇજાઓ પહોંચી હોવાને કારણે, તેને વધુ સારી સારવાર માટે તાત્કાલિક ગોધરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો

અકસ્માતની જાણ થતાં જ શહેરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક ભારતભાઈ પટેલીયાના મૃતદેહનો કબ્જો લીધો હતો અને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત કેવી રીતે થયો તેના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે અને બંને બાઇકના ચાલકોની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના કારણે ખરેડિયા ગામ અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવકના પરિવારજનો પર આભ ફાટ્યું છે.


આ પણ વાંચો - Ahmedabad news: બાઈકની અડફેટે આધેડનું મોત, દરિયાપુરહીટ એન્ડ રનના CCTV સામે આવ્યા, પરિવારે પોલીસ પર લગાવ્યા આક્ષેપ



  • Follow us on: