પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં લગ્નસરાની મોસમ વચ્ચે અવાજનું પ્રદૂષણ ફેલાવનારા અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરનારા ડી.જે. સંચાલકો સામે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. શહેરા પોલીસની આ કાર્યવાહીથી નિયમ વિરુદ્ધ ધૂમ મચાવતા સંચાલકોમાં ફાળકો પડી ગયો છે.
નિયમ ભંગ કરનારા ડીજે સંચાલકો સામે પગલા લેવાયા
શહેરા પી.આઈ. અંકુર ચૌધરીની સૂચનાથી એ.એસ.આઈ. સિધ્ધરાજસિંહ ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફે તાલુકાના વિવિધ ગામોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બામરોલી, સુરેલી અને પટિયા ગામમાં મર્યાદા બહાર અને અતિશય ઘોંઘાટ સાથે ડી.જે. વગાડવામાં આવતા હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તુરંત કાર્યવાહી કરી ત્રણ જેટલી ડી.જે. સિસ્ટમ સ્થળ પર જ જપ્ત કરી લીધી હતી.













