પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. શાળામાં મોડા આવવાનું કારણ પૂછવા જેવી સામાન્ય બાબતે એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની જ મહિલા શિક્ષિકા પર હાથ ઉપાડીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના શૈક્ષણિક આલમમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શહેરાની એક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને શાળાએ મોડા આવવા બદલ ઠપકો આપ્યો હતો અને મોડા આવવાનું કારણ પૂછ્યું હતું.


શિક્ષિકાને થપ્પડ મારતા વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ

આ સામાન્ય શિસ્તની બાબતથી ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે ગેરવર્તન કર્યું હતું અને જાહેરમાં તેમને થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થીએ શિક્ષિકાને ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, "તમારે અહીં એકલા રહેવાનું છે", જેનો ઈશારો તેમના પર ભવિષ્યમાં હુમલો કરવા તરફ હતો. શિક્ષિકાએ આ અપમાન અને સુરક્ષાના જોખમ સામે અવાજ ઉઠાવતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

શહેરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પોલીસે આ મામલે વિદ્યાર્થી અને તેના વાલી સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. શારીરિક હુમલો અને ધમકી આપવા બદલ વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. શાળાના અન્ય સ્ટાફ અને સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાવતી આ ઘટના બાદ શાળાઓમાં શિક્ષકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: