પાટણ શહેરમાં આવેલી એક ફાઇનાન્સની ઓફિસમાં મહિલા કર્મચારી અને તેના સંચાલકને બંધક બનાવી લૂંટ કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અઘાર ગામના બે શખ્સોએ છરી બતાવી બંનેને ધમકી આપી માર માર્યો હતો તેમજ બ્લેકમેલિંગના ઈરાદે વાંધાજનક વીડિયો ઉતારી લીધો હતો.
અઘાર ગામના ભયલુ ઠાકોર અને રવિ રાવલ ઓફિસમાં ઘૂસી આવ્યા
પોલીસ ફરિયાદ અનુસાર, પાટણમાં રહેતી એક મહિલા ફાઇનાન્સ ઓફિસમાં નોકરી કરે છે. ગત તા. 13/12/2025ના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે મહિલા અને ઓફિસના સંચાલક હાજર હતા, તે દરમિયાન અઘાર ગામના ભયલુ ઠાકોર અને રવિ રાવલ ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ શટર બંધ કરી છરી બતાવી બંનેને ધમકી આપી હતી અને ગડદાપાટુનો માર માર્યો હતો.
વાંધાજનક વીડિયો અને ફોટા ઉતારી લીધા
આરોપીઓએ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું કહી પરિવારને જાણ કરવાની ધમકી આપીને દબાણ સર્જ્યું હતું. બાદમાં બંનેને બ્લેકમેલ કરવા માટે વાંધાજનક વીડિયો અને ફોટા ઉતારી લીધા હતા. ત્યારબાદ ભયલુ ઠાકોરે પરેશ નામના વ્યક્તિ સાથે ફોન પર વાત કરી અને વીડિયો વાયરલ ન કરવા બદલ 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.
મહિલા પાસે રહેલા 10 હજાર રૂપિયા આરોપીઓએ લૂંટી લીધા
તે સમયે મહિલા પાસે રહેલા 10 હજાર રૂપિયા આરોપીઓએ લૂંટી લીધા હતા તેમજ બાકી રકમ માટે સંચાલક પાસેથી બેંકના 5 સહી કરેલા કોરા ચેક પણ પડાવી લીધા હતા. આરોપીઓએ 15/12/2025 સુધીમાં પૈસા ન મળે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.
પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
આ ઘટનાપછી અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા ઓફિસની રેકી કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે. સતત ધમકીઓ અને બ્લેકમેલિંગથી કંટાળીને અંતે મહિલાએ સંચાલક સાથે પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
પાટણ સીટી બી-ડિવિઝન પોલીસે ભયલુ ઠાકોર, રવિ રાવલ, પરેશ તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNSની કલમ 309(6), 308(5), 351(2), 79, 115(2), 61(2)(b) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો----- Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર