ઉત્તર ગુજરાતના મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર ગણાતી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કેમ્પસ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ભારે હોબાળા અને વિરોધ પ્રદર્શનથી ગુંજી ઉઠ્યું હતું. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિવિધ કોર્સોની ફીમાં એકઝટકે 15 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવતા વિદ્યાર્થી આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. આ આકરા ફી વધારાના વિરોધમાં એબીવીપીના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાલઘૂમ થઈને સીધા કુલપતિની ઓફિસમાં ધસી ગયા હતા અને જોરદાર હલ્લાબોલ કર્યું હતું.
કુલપતિની સામે જ 500 ના દરની નકલી નોટો હવામાં ઉછાળી
કુલપતિની ચેમ્બરમાં ઘૂસેલા એબીવીપીના કાર્યકરોએ કથિત મનસ્વી નિર્ણય સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શને ત્યારે અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે કાર્યકરોએ યુનિવર્સિટી વહીવટી તંત્રના વેપારીકરણના વિરોધમાં કુલપતિની સામે જ 500 ના દરની નકલી નોટો હવામાં ઉછાળી દીધી હતી. નોટો ઉછાળીને વિદ્યાર્થી નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે યુનિવર્સિટી પ્રશાસન શિક્ષણનું ધામ ચલાવવાને બદલે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યું છે. ઓફિસમાં બનેલી આ ઘટનાના પગલે યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.













