વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ધરી છે. વડાપ્રધાન મોદીએ દમણ ખાતે આશરે રૂપિયા 2,970 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ તેમણે દમણ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વૈશ્વિક અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અને ભારતની મજબૂત આર્થિક પ્રગતિ પર ખુબ જ મહત્વનું નિવેદન આપ્યું હતું.
દમણને મળી 'નમો એરપોર્ટ' અને 'નમો હોસ્પિટલ'ની ભવ્ય ભેટ
વડાપ્રધાને દમણમાં રૂપિયા 1,340 કરોડના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. જેમાં 'નમો એરપોર્ટ'ના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ અને 'નમો હોસ્પિટલ' (જિલ્લા હોસ્પિટલ) નું લોકાર્પણ મુખ્ય છે. નમો એરપોર્ટના નવા ટર્મિનલથી આ પ્રદેશમાં હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક વિકાસને વેગ મળશે. જ્યારે નમો હોસ્પિટલ દૈનિક 1,500 જેટલા ઓપીડી દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે સ્થાનિક લોકોને ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ રૂપિયા 1,630 કરોડના અન્ય પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જેમાં આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર અને NIFT કેમ્પસનો સમાવેશ થાય છે.
લક્ષદ્વીપ માટે પણ રૂપિયા 885 કરોડના પ્રોજેક્ટ્સ
દમણની સાથે વડાપ્રધાને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે પણ રૂપિયા 885 કરોડના મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ અંતર્ગત કલ્પની અને કદમત ટાપુઓની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ પોર્ટ (બંદર) સુવિધાઓ અને મલ્ટીપર્પઝ જેટી વિકસાવવામાં આવશે. આ જેટીના નિર્માણથી 300 મીટર સુધીના ક્રૂઝ અને મોટા પેસેન્જર જહાજો વર્ષભર અહીં લાંગરી શકશે, જે દરિયાઈ કનેક્ટિવિટી મજબૂત કરશે અને સ્થાનિક માછીમારોની આજીવિકા તેમજ પ્રવાસનને મોટો વેગ આપશે.
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો 7.8% નો આર્થિક ગ્રોથ રેટ: વડાપ્રધાન મોદી
જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યારે ભારે અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે, પરંતુ આવા પડકારજનક સમયમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત અડીખમ ઊભું છે." તેમણે આંકડા આપતા ગર્વભેર જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26માં ભારતે 7.7 ટકાનો વિકાસ દર હાસલ કર્યો છે, જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં દેશનો ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે, જે ભારતને વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનાવે છે.
વડાપ્રધાન મોદીએ દમણને 'લઘુ ભારત' ગણાવતા પોતાના જૂના સ્મરણો તાજા કર્યા હતા અને દેશવાસીઓને ખાતરી આપી હતી કે, તમામ વૈશ્વિક સંકટો છતાં દેશ 'રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ' ના સંકલ્પ સાથે વિકાસના પથ પર અવિરત આગળ વધતો રહેશે.
આ પણ વાંચો - Surat News: વિદ્યાર્થીની અદ્ભુત કલા, PM મોદીને ભેટ આપી ખાસ પેઇન્ટિંગ