ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ માધવપુર (ઘેડ) આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બન્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બ્રહ્મકુંડનું રિનોવેશન કરવામાં આવ્યું હોવા છતાં, હાલ આ પવિત્ર કુંડમાં પાણી સુકાઈ જતાં અને જાળવણીના અભાવે ગંદકી જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતા પ્રસરી છે.
કુદરતી જળસ્ત્રોત બંધ થયાની ભીતિ
બ્રહ્મકુંડનું મહત્વ એટલું છે કે ભગવાન કૃષ્ણનું રથમાં ફૂલેકું અહીં આવે છે અને ત્રણ દિવસ સુધી ભગવાન અહીં બિરાજે છે, જ્યાં ભવ્ય કીર્તન થાય છે. જોકે, કેન્દ્ર સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા રિનોવેશન બાદ આ વર્ષે કુંડમાં પાણી સુકાઈ ગયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રિનોવેશન દરમિયાન કુંડમાં પાણીની આવકના કુદરતી સ્ત્રોત બંધ થઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે.
લાઈટો બંધ અને સફાઈના નામે મીંડું
પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે કુંડની આસપાસ મોંઘીદાટ લાઈટો ફિટ કરવામાં આવી હતી, પરંતુ હાલ આ લાઈટો પણ બંધ હાલતમાં છે. કુંડની બાજુમાં પાંચ પાંડવોની પુરાણી ડેરીઓ આવેલી છે, જેની જાળવણીમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે. રિનોવેશન પાછળ લાખોનો ધુમાડો કરવા છતાં ચોખ્ખાઈના નામે મીંડું દેખાઈ રહ્યું છે, જેના કારણે દૂર-દૂરથી આવતા પ્રવાસીઓમાં નકારાત્મક સંદેશ જઈ રહ્યો છે.
વહેલી તકે સફાઈ અને પુનઃજીવિત કરવાની માગ
આ પવિત્ર ધામની ગરિમા જળવાઈ રહે તે માટે તંત્ર જાગે તે જરૂરી છે. માધવપુરના ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ માગ કરી રહ્યા છે કે, વહેલી તકે કુંડની સફાઈ કરવામાં આવે, બંધ પડેલી લાઈટો ચાલુ કરવામાં આવે અને પાણીના સ્ત્રોત કેમ બંધ થયા તેની ટેકનિકલ તપાસ કરાવી કુંડને ફરી જીવંત કરવામાં આવે.
આ પણ વાંચો - Porbandar: 5 લાખનું બિલ બાકી હોવાથી જિલ્લા સેવા સદન-2નું વીજ કનેક્શન કાપ્યું, કચેરીઓમાં અંધારપટ