ગુજરાતનો દરિયાકિનારો ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓના નિશાના પર હોવાનું સામે આવ્યું છે, પરંતુ સતર્ક સુરક્ષા એજન્સીઓએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગઈકાલે રાત્રે ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) અને કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કરોડોની કિંમતનું નશીલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક એક શંકાસ્પદ બોટની હિલચાલ જોવા મળી હતી.


કોસ્ટગાર્ડ અને ATSને મળી સફળતા

સુરક્ષા એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરતા આ બોટને આંતરી હતી. તપાસ દરમિયાન બોટમાંથી 203 કિલો ક્રિસ્ટલાઇન ડ્રગ્સ જેવો નશીલો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ બોટમાં સવાર બે ઈરાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અને બંને આરોપીઓને પોરબંદર લાવવામાં આવ્યા છે. હાલમાં તેમને પોરબંદર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ઓફિસે રાખીને ગુજરાત ATS સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.

એજન્સી દ્વારા આકરી પૂછપરછ શરૂ 

તપાસના મુખ્ય કેન્દ્રો: આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના કયા બંદરે ઉતારવાનો હતો? આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સ્થાનિક સ્તરે કોણ સંડોવાયેલું છે? ઈરાની શખ્સોનો અસલી હેતુ અને તેમના આકાઓ કોણ છે? આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. કરોડોની કિંમતનું આ 'ક્રિસ્ટલાઇન ડ્રગ્સ' પકડાવું એ સુરક્ષા એજન્સીઓ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: