રાજકોટ નજીક વેરાવળ-પડવલા ફાટક પાસે એક ગંભીર અકસ્માત સર્જાતા રેલવે વ્યવહારમાં મોટા પાયે ખલેલ પહોંચી હતી. એક ટ્રક ચાલકની ગંભીર બેદરકારીને કારણે ટ્રકમાંથી લોખંડની ભારે ગડરો સીધી રેલવે ટ્રેક પર પડી હતી. આ ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા રાજકોટ અને રીબડા રેલવે સ્ટેશને ટ્રેનોને તત્કાલ થોભાવી દેવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.


ટ્રક ચાલકની બેદરકારીથી સર્જાઈ દુર્ઘટના

ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગની ટેકનિકલ ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટ્રેક પરથી ભારે ગડરો હટાવવા માટે ક્રેઈન અને મજૂરોની મદદ લેવામાં આવી હતી. યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરી બાદ ટ્રેક પરથી અવરોધ દૂર કરવામાં આવ્યો હતો. હાલમાં રેલવે વ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ અકસ્માતને કારણે લાંબા અંતરની ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી પડવાની શક્યતા સેવાઈ રહી છે.

હાલમાં રેલવે વ્યવહાર પુનઃ શરૂ કરાયો

ટ્રક ચાલકની બેદરકારીના કારણે સેંકડો મુસાફરોના સમયનો બગાડ થયો છે અને રેલવેના શિડ્યુલ પર તેની સીધી અસર પડી છે. રેલવે સત્તાધીશો દ્વારા આ મામલે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટ્રેક ક્લિયર થયા બાદ હવે ધીમે ધીમે ટ્રેનોને રવાના કરવામાં આવી રહી છે, છતાં સમગ્ર ટાઈમ ટેબલ ખોરવાઈ જતા રાત્રિ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની આશા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: