આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો પવિત્ર દિવસ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ, આ દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, અને આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખવા માટે રાજકોટના પેલેસ રોડ સહિતના જ્વેલરી માર્કેટમાં સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.


સોનું પહોંચ્યું ઐતિહાસિક સપાટીએ

આ વર્ષે સોનાના ભાવમાં અકલ્પનીય તેજી જોવા મળી રહી છે. આજે અખાત્રીજના દિવસે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ અંદાજે રૂ. 1.42 લાખ જેવી ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે. ભાવ આટલો ઊંચો હોવા છતાં, શુકન સાચવવા માટે લોકો સોનાના સિક્કા, લગડી અને ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે.

જ્વેલર્સની દુકાનોમાં રોનક

રાજકોટના જ્વેલર્સના જણાવ્યા અનુસાર, મોંઘવારી અને સોનાના વધતા ભાવ વચ્ચે પણ ગ્રાહકોમાં ઉત્સાહ ઓછો થયો નથી. ખાસ કરીને લગ્નસરાની સિઝન નજીક હોવાથી અને અખાત્રીજનું વિશેષ મહત્વ હોવાથી લોકો રોકાણ અને ખરીદી માટે ઉમટી પડ્યા છે. જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જ પર વિશેષ ડિસ્કાઉન્ટની સ્કીમો પણ આપવામાં આવી રહી છે.

માન્યતા છે કે, અક્ષય તૃતીયાના દિવસે કરેલી ખરીદી 'અક્ષય' રહે છે, એટલે કે તેમાં ક્યારેય ઘટાડો થતો નથી. આ જ આશા સાથે રાજકોટવાસીઓ આજે સોનાના વધતા ભાવને બાજુ પર મૂકીને લક્ષ્મીના આ સ્વરૂપને ઘરે લાવવા આતુર દેખાઈ રહ્યા છે.

આજના સોનાના ભાવ

આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના (99.9% શુદ્ધતા) માટે પ્રતિ ગ્રામ રૂ. 15,583, 22 કેરેટ સોના (91.6% શુદ્ધતા) માટે પ્રતિ ગ્રામ રૂ. 14,285 અને 18 કેરેટ સોના (75% શુદ્ધતા) માટે પ્રતિ ગ્રામ રૂ. 11,689 છે.


આ પણ વાંચો - Rajkot News: ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો, સિંગતેલ અને કપાસિયાના ભાવ ગગડ્યા, જાણો લેટેસ્ટ ભાવ


  • Follow us on: