રાજકોટના પ્રવેશદ્વાર સમાન ગોંડલ ચોકડી પર અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજના જોઈન્ટમાં 4 થી 5 ઈંચની ભયાનક તિરાડો જોવા મળતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ ગંભીર તિરાડના મુદ્દાને મીડિયા દ્વારા ઉજાગર કરવામાં આવ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા 'સંદેશ ન્યૂઝ'ની કામગીરીની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે, ભાજપ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં લોકોના હિતને નેવે મૂકીને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.


આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી

કોંગ્રેસ પ્રમુખે વધુમાં આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકારમાં દરેક પ્રોજેક્ટમાં ચોક્કસ ટકાવારી ચૂકવવાની હોવાથી કામની ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવે છે. આટલી મોટી તિરાડ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે, છતાં સત્તાધિશો મૌન સેવી રહ્યા છે. ભાજપ અને કોન્ટ્રાક્ટર સામાન્ય જનતાના ટેક્સના પૈસાનું નુકસાન કરી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં અને જનતાની સુરક્ષા માટે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkotમાં IT વિભાગનું સર્ચ, પ્રયોશા જ્વેલર્સમાં સોનાના દાગીનાનું વેચાણ-વર્તમાન સ્ટોક અંગે તપાસ

  • Follow us on: