સ્માર્ટ સિટી રાજકોટમાં સિટી બસના ચાલકો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે રાજકોટ શહેરના મધ્યમાં આવેલા જિલ્લા પંચાયત ચોક પાસે એક સિટી બસના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકની બેદરકારી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
મોટી જાનહાનિ ટળી
ઘટનાની મળતી વિગતો અનુસાર, રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક પાસે ટ્રાફિકથી ધમધમતા રોડ પર સિટી બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે મોટરસાયકલ સવાર રોડ પર ફંગોળાયો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બાઈક સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.













