રાજકોટના કાલાવડ રોડ પર આવેલા જાણીતા કોસ્મોપ્લેક્સ સિનેમામાં આજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. સિનેમા હોલના દરવાજા અને બારીના ભાગે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. જોતજોતામાં આગના ધુમાડા આખા બિલ્ડિંગમાં ફેલાઈ જતાં આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.


દરવાજા અને બારીના ભાગે આગ

સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે સિનેમામાં કોઈ ફિલ્મનો શો ચાલુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો ચાલુ શો દરમિયાન આ આગ લાગી હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર વિભાગે સમયસૂચકતા વાપરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેને કારણે બિલ્ડિંગના અન્ય હિસ્સા સુરક્ષિત રહ્યા હતા.

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

આગની આ ઘટના બાદ સિનેમા મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે અને રિપેરિંગ કામગીરીને ધ્યાને રાખીને તમામ શો રદ કરી દેવામાં આવ્યા છે. સિનેમામાં આવેલી આગને પગલે સુરક્ષાના માપદંડો અને ફાયર સેફ્ટીના સાધનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રેક્ષકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તેમને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના પગલાં તરીકે ફાયરની ટીમ હજુ પણ ત્યાં તૈનાત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: