રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી અને અત્યંત કરુણ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. બ્લડ આપવા આવેલા એક શખ્સ અને ફરજ પરના ડોક્ટર વચ્ચે થયેલી મારામારીને કારણે સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૂળ નેપાળી અને હાલ રાજકોટમાં સારવાર લઈ રહેલા દર્દી વિનય થાપાને તાત્કાલિક બ્લડની જરૂર હતી. તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ ડોનેટ કરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
જયદીપ ચાવડાએ ડો.પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતો
જોકે, હોસ્પિટલ પરિસરમાં કોઈ કારણસર જયદીપ ચાવડા અને ફરજ પરના ડોક્ટર પાર્થ પંડ્યા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે જયદીપે ડોક્ટર પર હુમલો કરી દીધો હતો. ડોક્ટર અને જયદીપ વચ્ચે થયેલી આ મારામારીને કારણે અરાજકતા સર્જાઈ હતી અને પ્રક્રિયા અટકી ગઈ હતી. આ ઝઘડાને લીધે જયદીપ ચાવડા જે હેતુ માટે આવ્યો હતો તે બ્લડ આપી શક્યો નહીં. બીજી તરફ, ગંભીર હાલતમાં રહેલા નેપાળી યુવક વિનય થાપાને સમયસર લોહી ન મળી શકતા તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું.













