"બીજાને શિખામણ આપે અને પોતે જ ભૂલ કરે" - આ કહેવત આજે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની મુખ્ય કચેરીમાં સાર્થક થતી જોવા મળી છે. રાજકોટમાં ફાયર સેફ્ટીના નામે સામાન્ય જનતા અને વેપારીઓને દંડ ફટકારતી અને એકમો સીલ કરતી રાજકોટ મનપાની પોતાની જ કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો રામભરોસે હોવાનું બહાર આવ્યું છે.
'સંદેશ ન્યૂઝ'ના રિયાલિટી ચેકમાં ભાંડો ફૂટ્યો
સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ મનપાની મુખ્ય કચેરી, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો અને મુલાકાતીઓ આવે છે, ત્યાં જ એક્સપાયરી ડેટવાળા ફાયર સિલિન્ડર લટકી રહ્યા છે. ખુદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ અને અલગ-અલગ સમિતિના ચેરમેનોની ઓફિસ બહાર પણ આવા જ બિનઉપયોગી સિલિન્ડર જોવા મળ્યા છે.
નિયમો માત્ર જનતા માટે જ?
રિયાલિટી ચેક દરમિયાન જોવા મળ્યું કે મોટાભાગના ફાયર સિલિન્ડરમાં રિફિલિંગની તારીખ જ લખેલી નથી, તો કેટલાકમાં વર્ષો જૂની એક્સપાયરી ડેટ વટી ગઈ છે. જો અચાનક આગ જેવી દુર્ઘટના સર્જાય, તો આ સિલિન્ડર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ શકે છે. સવાલ એ ઊઠે છે કે, જે તંત્ર ફાયર NOC ના નામે નાની દુકાનોને સીલ મારે છે, તે તંત્ર પોતાની જ મુખ્ય કચેરીમાં આટલી મોટી બેદરકારી કેમ ચલાવી રહ્યું છે?
હજારો મુલાકાતીઓના જીવ જોખમમાં
RMC ની મુખ્ય કચેરીમાં શહેરભરમાંથી લોકો પોતાના કામકાજ માટે આવે છે. કચેરીમાં આ પ્રકારે 'લોલમલોલ' વહીવટના કારણે અરજદારોની સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠ્યા છે. તંત્રની આ 'દિવા તળે અંધારું' જેવી નીતિએ રાજકોટ મનપાની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો - Rajkot News: PGVCL ના 20 સોસાયટીમાં રેડ, 83 સ્થળેથી 23 લાખની વીજચોરી ઝડપાઈ