રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે રહેતા સબાડ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની 9 વર્ષની પુત્રી માહી સબાડને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. માસૂમ માહીને તાત્કાલિક સારવાર મળે તે પહેલા જ તેના પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા. 9 વર્ષની કુમળી વયે હાર્ટ એટેકની આ ઘટનાએ તબીબી જગત અને વાલીઓ માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે.


પરિવાર શોકમાં ગરકાવ

હસતી-રમતી માહીના અચાનક નિધનથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. બાપા સીતારામ ચોક પાસેના નિવાસસ્થાને માહીના મોતના સમાચાર મળતા જ આસપાસના રહીશો પણ શોકમાં ડૂબી ગયા હતા. એક નાની બાળકીનું હૃદય બંધ પડી જવાથી થયેલા મોતે અનેક સવાલો અને ચિંતાઓ જન્માવી છે.

નિષ્ણાતોની ચિંતા

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે, પરંતુ 9 વર્ષની બાળકી સાથે બનેલી આ ઘટના અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. તબીબોના મતે બાળકોમાં જન્મજાત હૃદયની ખામી અથવા જીવનશૈલીમાં ફેરફાર પણ આવા કિસ્સાઓ માટે કારણભૂત હોઈ શકે છે. માહીના અકાળે અવસાનથી સબાડ પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: