રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા અર્જુન જ્વેલર્સના માલિક દ્વારા પોતાને ત્યાં અગાઉ હેડ કેશિયર તરીકે કામકાજ કરનારા હિતેશ પરમાર નામના વ્યક્તિ વિરુદ્ધ 1.99 કરોડ રૂપિયાની રોકડ તેમજ સોના સહિતની મત્તાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતાની સાથે ગણતરીની કલાકોમાં બોરસદ ખાતેથી હિતેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે.ગુનાના કામે કોર્ટમાં રજૂ કરતા તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


હિતેશ પરમાર પાસે જુદી જુદી રકમ જમા કરાવી

અર્જુન જ્વેલર્સના માલિક અને 42 વર્ષીય સોની વેપારી મનીષ પટેલે પોતાના તત્કાલીન હેડ કેશિયર હિતેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં મનીષ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના બોરસદના વતની હિતેશ પરમારને વર્ષ 2022માં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી તે હેડ કેશિયર તરીકે જવાબદારી સંભાળતો હતો. 5 ઓગસ્ટ 2025ના રોજ હિતેશની ગેરવર્તણૂકને કારણે તેને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો.તેના એક સપ્તાહ બાદ અર્જુન જ્વેલર્સ ખાતે એક પછી ગ્રાહકો પહોંચ્યા અને તેમણે ખુલાસો કર્યો કે,ઓક્ટોબર 2024થી મે 2025 દરમિયાન સોનાના દાગીના ખરીદવા માટે તેમણે હિતેશ પરમાર પાસે જુદી જુદી રકમ જમા કરાવી હતી.

કોર્ટ દ્વારા તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

હિતેશે ગ્રાહકો પાસેથી રોકડ રૂપિયા લઈ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના નામે વાઉચર અને બિલ પણ બનાવી આપ્યા હતા.પોલીસ તપાસમાં ખુલ્યું કે આ પૈકીના અનેક વાઉચર અને બિલ શોરૂમની ઓફિશિયલ સિસ્ટમમાં દાખલ જ કરવામાં આવ્યા નહોતા. હિતેશ પરમારે ગ્રાહકોને વિવિધ સ્કીમોની લાલચ આપી કુલ રૂપિયા 1.74 કરોડની રોકડ ઉચાપત કરી હતી. ઉપરાંત ખોટા વાઉચર અને બિલ બનાવી અંદાજે 265 ગ્રામ સોનાની પણ ઉચાપત કર્યાનું બહાર આવ્યું છે. આ રીતે ઓક્ટોબર 2024થી 29 મે 2025 દરમિયાન, એક વર્ષથી ઓછા સમયગાળામાં અંદાજે 1.99 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આણંદ ખાતેથી ધરપકડ કરાયેલા આરોપી હિતેશ પરમારને સોમવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Car Nicobar એરબેઝનો રનવે નવો બનાવવામાં આવ્યો, 2 જાન્યુઆરીએ CDS કરશે ઉદ્ઘાટન


  • Follow us on: