રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગમાં ફરજ બજાવતા ડો. પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારે આડેધડ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઉશ્કેરાયેલા પરિવારજનોએ ડોક્ટરને પછાડી-પછાડીને ઢોર માર માર્યો હતો. હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ વચ્ચે પડે તે પહેલા જ હુમલાખોરોએ ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હિંસક ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા તબીબી જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોતાની સુરક્ષાને લઈને ચિંતિત સિવિલના તબીબો હવે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.


દર્દીના પરિવારે ડોક્ટરને ઢોર માર માર્યો

તબીબોની માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. સરકારી હોસ્પિટલમાં વારંવાર તબીબો પર થતા હુમલાની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. જો તબીબો હડતાળ પર જશે તો ગરીબ દર્દીઓની સારવાર ખોરવાય તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: