રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં આવેલા એક ઓઇલના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓઇલ જેવો જ્વલનશીલ પદાર્થ હોવા છતાં ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ બચી ગયો હતો. રાજકોટના નવાગામ વિસ્તારમાં આવેલા આ ઓઇલ ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.
નવાગામ વિસ્તારમાં ગોડાઉનમાં લાગી આગ
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરી દરમિયાન સૌથી મહત્વની બાબત એ રહી કે ફાયર ફાઇટરોની ત્વરિત કામગીરીને કારણે ગોડાઉનમાં રાખેલા 50થી વધુ ઓઇલના કેરબા આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા.













