રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બે દિવસ પૂર્વે સારવાર દરમિયાન એક નેપાળી યુવકનું મોત નિપજતા મામલો ગરમાયો છે. આ ઘટનાને પગલે નેપાળી સમાજના અગ્રણીઓ મેદાને આવ્યા છે અને તબીબોની બેદરકારી તેમજ વહીવટી તંત્રની નિષ્ફળતા સામે રોષ ઠાલવી રહ્યા છે.


શું છે સમગ્ર ઘટના

ઘટનાની મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં આમિર નામના એક યુવકને લોહીની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. આ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી. આ મેસેજ વાંચીને જયદીપ ચાવડા નામનો યુવક રક્તદાન કરવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો.

તબીબ સાથે ઘર્ષણ અને હડતાલ

નેપાળી સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, વોર્ડમાં બ્લડ ગ્રુપની તપાસ અને લોહી ચડાવવા બાબતે ત્યાં હાજર તબીબ અને મયુર નામના શખ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. આ ઘટનાના વિરોધમાં હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતરી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

નેપાળી સમાજના ગંભીર આક્ષેપો

સમાજના અગ્રણીઓનો સીધો આક્ષેપ છે કે, તબીબો હડતાલ પર ઉતરી જવાથી દર્દીને સમયસર સારવાર મળી ન હતી. હોસ્પિટલ તંત્ર અને તબીબોની ગંભીર બેદરકારીને કારણે નેપાળી યુવકે જીવ ગુમાવ્યો છે. રાત્રિના સમયે યોગ્ય દેખરેખના અભાવે યુવકનું મોત નીપજ્યું છે.

નેપાળી સમાજે કરી ન્યાયની માગ

નેપાળી સમાજ દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરવામાં આવી છે. નેપાળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે, જે પણ તબીબો કે કર્મચારીઓની બેદરકારી સામે આવે તેમની સામે કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ. હાલમાં આ મુદ્દે પોલીસ તપાસ ચાલુ છે, અને હોસ્પિટલ કેમ્પસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો - Rajkot માં 'MLA ગુજરાત' લખેલી મર્સિડીઝના ચાલકની દાદાગીરી, પાર્કિંગ માટે મનપાનું બોર્ડ ઉખેડ્યું!


  • Follow us on: