31મી ડિસેમ્બર ન્યુ યરની પાર્ટીને લઈ હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસને મંજૂરી અર્થે 8 જેટલા પાર્ટીના આયોજકો દ્વારા મંજૂરી માગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.


હજુ સુધી એક પણ પાર્ટીના આયોજકોને મંજૂરી આપવામાં આવી નથી

 સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન અને ત્યારબાદ લાઇસન્સ બ્રાન્ચ દ્વારા જરૂરિયાત મુજબ પાર્ટીના આયોજકોને ચોક્કસ નિયમોની અમલવારી કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે. હજુ સુધી એક પણ પાર્ટીના આયોજકોને મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

એફએસએલની ટીમને સાથે રાખીને નશીલા દ્રવ્યોનું ચેકિંગ

 તો સાથે જ શુક્રવારથી રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એફએસએલની ટીમને સાથે રાખીને નશીલા દ્રવ્યોનું સેવન કરનારા વ્યક્તિઓને ઝડપી પાડવા માટે ઓન રોડ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે સ્પેશિયલ ડ્રાઇવ ન્યુ યર સુધી રોજ શરૂ રાખવામાં આવશે.

 ડ્રીન્કિંગ ડ્રાઈવને લગતા કેસીસ કરવામાં આવશે

તો સાથો સાથ દરેક પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનેલાઈઝર પણ આપવામાં આવ્યા છે. રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા પણ ડ્રીન્કિંગ ડ્રાઈવને લગતા કેસીસ કરવામાં આવશે. ન્યુ યરની પાર્ટીના આયોજકોએ આયોજન સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. તેમજ મંજૂરી વગર પાર્ટીના આયોજન કરનારા આયોજકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

શી ટીમ તેમજ 112 ના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે

આ ઉપરાંત ખાનગી ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા ઉપર પોલીસ દ્વારા પ્રતિબંધ લાદવામાં નથી આવ્યું. જોકે નશીલા દ્રવ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આયોજન સ્થળે મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ તેમજ 112 ના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.


  • Follow us on: