રાજકોટ શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન સામે રાજકોટ મહાનગરપાલિકા એ લાલ આંખ કરી છે. ગત અઠવાડિયે શહેરના દિયા ગોલ્ડ પોલિસિંગએકમમાં રાત્રિના સમયે અચાનક ફાટી નીકળેલી ભીષણ આગના મામલામાં તંત્ર દ્વારા આજે એક બહુ મોટી અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની ટાઉન પ્લાનિંગ શાખા (TP) ની ટીમે આજે દરોડા પાડીને દિયા ગોલ્ડ પોલિસિંગની મિલકતને સત્તાવાર રીતે સીલ કરી દીધી છે.


 મિલકત સંજય લુવા નામના આસામીની છે.

મળતી વિગતો મુજબ, આ મિલકત સંજય લુવા નામના આસામીની માલિકીની છે. ગત સપ્તાહે જ્યારે આ સોનાના પોલિસિંગ યુનિટમાં આગ લાગી ત્યારે આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના બાદ મનપાના કમિશનરની સૂચનાથી ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ દ્વારા આ એકમની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ મિલકતનો ઉપયોગ સંપૂર્ણપણે કોમર્શિયલ હેતુ માટે કરવામાં આવી રહ્યો હતો, જેની સામે આખું બાંધકામ પણ નિયમો વિરુદ્ધનું અને તદ્દન અનધિકૃત હતું.

ટાઉન પ્લાનિંગ શાખાએ નોટિસ ફટકારી, કડક આદેશ

આજે ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સંજય લુવાની આ ગેરકાયદેસર કોમર્શિયલ મિલકતના મુખ્ય દરવાજા પર સીલ મારી દીધું હતું. આ સાથે જ મનપા દ્વારા બિલ્ડિંગની બહાર એક કડક કાનૂની નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે.

અનધિકૃત મિલકતો સામે કાર્યવાહી થશે

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરમાં કાયદાકીય મંજૂરી વિના અને ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતી આવી અન્ય તમામ અનધિકૃત મિલકતો સામે પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે સીલિંગની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. આ મેગા એક્શનને પગલે ગેરકાયદેસર બાંધકામો અને નિયમો નેવે મૂકીને ફેક્ટરીઓ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 


આ પણ વાંચો----    Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી



  • Follow us on: