રંગીલું રાજકોટ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આગામી 10 જાન્યુઆરીના રોજ રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વિશ્વના ખૂણેખૂણેથી આવેલા પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. હાલ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


21 દેશોના પતંગબાજો રાજકોટના મહેમાન બનશે

આ વર્ષે પતંગ મહોત્સવમાં કુલ 135 પતંગબાજો ભાગ લેવાના છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન અને યુનાઈટેડ કિંગડમ સહિત કુલ 21 દેશોના આંતરરાષ્ટ્રીય પતંગબાજો પોતાના અવનવા આકાર અને કદની પતંગો સાથે આકાશને રંગીન બનાવશે. વિદેશી મહેમાનોની અલગ-અલગ પ્રકારની પતંગો રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ભારતના વિવિધ રાજ્યોની પણ જબરદસ્ત ભાગીદારી

માત્ર વિદેશી જ નહીં, પરંતુ ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો પણ આ મહોત્સવની શાન વધારશે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તામિલનાડુ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ સહિતના વિવિધ રાજ્યોના નિષ્ણાત પતંગબાજો ભાગ લેશે.

પ્રવાસનને મળશે વેગ

રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજાનારા આ મહોત્સવને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કારણે રાજકોટમાં પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે. 10 જાન્યુઆરીએ સવારથી જ રેસકોર્સનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે, જેનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.


આ પણ વાંચો - Rajkot News: આરોગ્ય વિભાગનો સપાટો, પાણીપુરીની 35 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ


  • Follow us on: