રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ધોળા દિવસે બનેલી યુવાનની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે એસીપી (ACP) દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં હત્યા પાછળનું કારણ અને ઘટનાક્રમની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે.


હત્યારા મહેશ જેઠવાએ નિલેશ પર છરી ઝીંકી

એસીપીના જણાવ્યા અનુસાર, આજે બપોરે અંદાજે 4 વાગ્યાની આસપાસ સ્પીડવેલ કણકોટ રોડ પર આ હિંસક ઘટના બની હતી. આરોપી મહેશ જેઠવાએ જાહેરમાં નિલેશ ટોકિયો નામના યુવક પર તીક્ષ્ણ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, હત્યારાએ નિલેશ પર 6 થી 7 જેટલા છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાજર રહેલા અન્ય લોકોએ હત્યારાને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો.

બહેનને મેસેજ કરવાના મનદુઃખમાં ખેલાયો ખુની ખેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક નિલેશ આરોપી મહેશ જેઠવાની બહેનને મેસેજ કરતો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને મહેશે જાહેરમાં ખૂની ખેલ ખેલ્યો હતો. હત્યાના કૃત્યને અંજામ આપ્યા બાદ, આરોપી મહેશ જેઠવા પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ (સરન્ડર) કર્યું હતું. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં થયેલા આ હત્યાકાંડથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા પ્રસરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: