ગુજરાતમાં ગુનાખોરીની હદ પાર થઈ ગઈ છે. પોલીસ ભલે આરોપીઓના વરઘોડા કાઢે કે પછી કાયદાનો કોરડો વિંઝે પણ ગુનેગારોને કાયદો કે પોલીસનો સહેજ પણ ડર રહ્યો નથી. રાજ્યમાં હત્યાના બનાવો મર્યાદા વટાવી રહ્યાં છે. રાજકોટ શહેરમાં ધોળા દિવસે જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જાહેરમાં હત્યા કરીને આરોપી આરામથી તેનું એક્ટિવા લઈને જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.
છરીના જીવલેણ ઘા ઝિંકીને હત્યા કરી નાંખી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે એક યુવકની ધોળા દિવસે જાહેરમાં નિર્મમ હત્યા કરી દેવાઈ છે. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીએ અંકુરનગરના યુવક પર છરીના જીવલેણ ઘા ઝિંકીને હત્યા કરી નાંખી છે. આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઘટના સ્થળ પર યુવકની હત્યા બાદ લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. અંકુર નગરના નિલેશ કોટેચા નામના યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે.













