ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. ૨૮ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ 'વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬'માં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે તેમ ગુજરાતના સિવિલ એવિએશન કમિશનર કે.એલ. બચાણીએ જણાવ્યું હતું.
એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે
સિવિલ એવિએશન કમિશનર બચાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે,કેન્દ્રીય મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવેલ આ પુરસ્કાર ગુજરાતની ઉડ્ડયન ક્ષેત્રની મેન્ટેનન્સ, રીપેર અને સમારકામ સહિતની માળખાકીય સુવિધાઓ તેમજ એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે. ગુજરાતની સાથે-સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ પણ આ શ્રેણીમાં સંયુક્ત વિજેતા રહ્યા છે.આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના એવિએશન ક્ષેત્રને આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન બનાવવા અને છેવાડાના માનવી સુધી એર કનેક્ટિવિટી પહોંચાડવાના રાજ્ય સરકારની દૂરદર્શિતાને સમર્પિત છે.













