શહેરમાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ પીવાના પાણી અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી મિનરલ વોટરના નામે અશુદ્ધ પાણી પધરાવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા.
નામાંકિત બ્રાન્ડના નમૂના લેવાયા
આ કામગીરી દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા બજારમાં પ્રચલિત એવી 6 જેટલી જુદી-જુદી પાણીની બોટલોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં બિસલેરી (Bisleri), દાવત (Dawat), અને ક્લિયર (Clear) જેવી નામાંકિત બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ રિપોર્ટમાં ફેલ જશે અથવા તો તેમાં નિર્ધારિત માનકો કરતા ઓછી શુદ્ધતા જણાશે, તો સંબંધિત કંપનીઓ અને વિક્રેતાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.












