રાજકોટના કોઠારીયા સોલ્વેન્ટ વિસ્તારમાં ગત 26 ફેબ્રુઆરીના રોજ થયેલી હિંસક અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાન હૈદર અંસારીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. જે ઘટના માત્ર મારામારી તરીકે નોંધાઈ હતી, તે હવે હૈદરના અવસાન બાદ 'હત્યા' (મર્ડર) ના ગુનામાં પરિવર્તિત થઈ છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો છે અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
26 ફેબ્રુઆરીએ કોઠારીયામાં થઇ હતી બબાલ
માથાકૂટનું કારણ માત્ર બાઈક મોડું આપવા જેવી સામાન્ય બાબત હતી. આ નજીવી તકરાર ઉગ્ર બની હતી અને સામા પક્ષના શખ્સોએ હૈદર અંસારી પર ધોકા અને છરી જેવા જીવલેણ હથિયારો વડે નિર્મમ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં હૈદરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તે જિંદગીની જંગ હારી ગયો છે.













