રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા લાંબા સમયથી અલગ-અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં લાખો લિટર દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને તેને તોડી નાખવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આ દારૂનો જથ્થો શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયો હતો.


શહેરમાંથી પકડાયેલ દારુના જથ્થાનો નાશ કરાયો

238 જેટલા પ્રોહિબિશનના કેસોમાં આ જથ્થો જપ્ત કરાયો હતો. નાશ કરાયેલા દારૂની અંદાજિત બજાર કિંમત રૂ. 1,56,84,000 (1.56 કરોડ) જેટલી થવા જાય છે. કોર્ટના આદેશ અને નક્કી કરેલી પ્રક્રિયા મુજબ, શહેરના સીમાડે ખુલ્લા મેદાનમાં આ તમામ બોટલો પાથરી તેના પર રોલર અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન એસીપી (ACP), ડીસીપી (DCP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટની હાજરી રહી હતી.

પોલીસ અધિકારીઓની હાજરીમાં દારુનો કરાયો નાશ

આ સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી પારદર્શિતા જળવાઈ રહે. રાજકોટ પોલીસની આ કામગીરી "પ્યાસીઓ" માટે આંચકા સમાન છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ એક અનિવાર્ય પ્રક્રિયા છે. આટલી મોટી કિંમતના દારૂના જથ્થાનો નાશ કરીને પોલીસે દારૂના વેપલા સાથે સંકળાયેલા શખ્સોને કડક સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં દારૂબંધીનો અમલ ચુસ્તપણે કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: