રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ હવે સપાટી પર આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 11માં આગામી ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા માટે બોલાવવામાં આવેલી ભાજપની એક બેઠકમાં ભારે માથાકૂટ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા અને અન્ય ભાજપના આગેવાનોને સ્થાનિક લોકો અને કાર્યકરોએ રોકડું પરખાવી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે.
સ્થાનિકોએ ભાજપની બેઠકમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો
પાટીદાર સમાજના મતદારોને અંકે કરવા અને તેમને મનાવવા માટે આ બેઠકનું આયોજન કર્યું હતું. જોકે, સ્થાનિકોએ ભાજપના આગેવાનોની રજૂઆતો સાંભળવાને બદલે તેમના કાર્યો અને પડતર પ્રશ્નો મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ પૂર્વ MLA રમેશ રૂપાપરા સામે આકરા પ્રહારો કર્યા અને પક્ષની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નેતાઓ કંઈ પણ બોલે તે પહેલા જ લોકોએ વિરોધનો સૂર છેડતા બેઠકમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.













