રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરની ત્વરિત કાર્યવાહીના કારણે એક પીડિત વ્યક્તિની જિંદગી બચી ગઈ છે. SP ગુર્જરને તેમના સરકારી નંબર પર ઉદયભાઈ શાહ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો, જેમાં તેમણે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી અને જણાવ્યું હતું કે, તેઓ હાલ સુરત ખાતે છે. SP વિજયસિંહ ગુર્જરે તાત્કાલિક પોતાની ટીમને કામે લગાડી, લોકેશન શોધીને સુરતથી ઉદય શાહને સુરક્ષિત રીતે તેમના વતન ઉપલેટાના ભાયાવદર ખાતે પહોંચાડ્યા હતા.
જમીન હડપ કરવાનો કિસ્સો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફરિયાદી ઉદયભાઈએ આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા પાસેથી 10 ટકા વ્યાજે 2 લાખ રૂપિયા લીધા હતા. આજના દિવસ સુધીમાં તેમણે વ્યાજ સહિત કુલ 5,80,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, આરોપીએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, આરોપી વિશ્વરાજસિંહે ફરિયાદીની આશરે 5 કરોડ રૂપિયાની કિંમતની 18 વીઘા જમીન પણ પચાવી પાડી હતી અને ત્યાં પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું.













