રાજકોટના જાણીતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર વહેલી સવારે એક લક્ઝુરિયસ BMW કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુનિવર્સિટીના મુખ્ય ગેઈટ પાસે કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે BMW કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. જોકે, એરબેગ્સ ખુલી જવાને કારણે કે અન્ય કોઈ નસીબજોગ સંજોગોમાં ચાલકનો બચાવ થયો હતો.
BMW કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
આશ્ચર્યની વાત એ છે કે, અકસ્માત થયા બાદ કાર ચાલક પોલીસ કે અન્ય કોઈને જાણ કર્યા વગર જ પોતાની કિંમતી કાર રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે કારને કબજે કરી તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કારની ગતિ મર્યાદા કરતાં વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.













