કાગવડ ખાતે ખોડલધામની કોર કમિટીની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણય મુજબ હવે ગુજરાતના સુરત શહેર અને વિદેશમાં લંડન ખાતે ભવ્ય ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ કરવામાં આવશે. આ નિર્ણયથી પાટીદાર સમાજ સહિત મા ખોડલના અસંખ્ય ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, લંડનમાં વસતા ગુજરાતી ભક્તોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને ત્યાં મંદિર બનાવવાનું આયોજન કરાયું છે.
આગામી સમયમાં અમદાવાદમાં પણ ખોડલધામ બનશે
આ સાથે જ સુરતમાં પણ ભવ્ય મંદિર અને સંકુલ બનશે, જે સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બની રહેશે. ટ્રસ્ટ દ્વારા માત્ર સુરત અને લંડન જ નહીં, પરંતુ આગામી સમયમાં અમદાવાદ ખાતે પણ ખોડલધામ મંદિર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટ્સ (સુરત અને લંડન) માટે નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. આ મંદિરો માત્ર ધાર્મિક કેન્દ્રો જ નહીં, પરંતુ ખોડલધામની પરંપરા મુજબ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાનના કાર્યો માટે પણ કાર્યરત રહેશે.













