રાજકોટમાં ખાખીના ખોફ વગર એક શખ્સે સરકારી બુલેટ પર સત્તાના નશામાં કાયદાની ઐસીતૈસી કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં કે.ડી. નામનો એક શખ્સ ટ્રાફિક પોલીસના સત્તાવાર બુલેટ પર સ્ટંટબાજી અને સીનસપાટા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં માત્ર સરકારી વાહનનો દુરુપયોગ જ નહીં, પરંતુ તે યુવક જાહેરમાં રિવોલ્વરમાં બુલેટ લોડ કરતો પણ નજરે પડે છે. સામાન્ય જનતાને હેલ્મેટ કે સીટબેલ્ટ માટે દંડ ફટકારતી ટ્રાફિક પોલીસના વાહન પર એક ખાનગી વ્યક્તિ આ પ્રકારે રુઆબ છાંટે તે બાબતે અનેક સવાલો ઉભા કર્યા છે.
વાયરલ વીડિયોમાં કે.ડી નામનો વ્યક્તિ કેદ
આ મામલે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠ્યો છે કે, કયા પોલીસકર્મીએ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવીને સરકારી બુલેટ આ ખાનગી શખ્સને આપ્યું? શું પોલીસકર્મી અને આ શખ્સ વચ્ચે કોઈ નજીકના સંબંધો છે? હાલમાં આ વીડિયોએ રાજકોટ પોલીસની છબી ખરડી છે. લોકોમાં એવી ચર્ચા છે કે સામાન્ય લોકોને કાયદાના પાઠ ભણાવતી પોલીસ પોતાના જ વાહનના દુરુપયોગ મામલે ચૂપ કેમ છે? હવે જોવાનું એ રહે છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ કે.ડી. નામના શખ્સ અને જવાબદાર પોલીસકર્મી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ.













