રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. શહેરના મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટેલમાં ફરજ બજાવતા કર્મચારીને માલવિયા નગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઘટનાની વિગત મુજબ હોટેલમાં રોકાયેલા પોલીસ સ્ટાફના મહેમાન સાથે હોટેલના સ્ટાફને કોઈ બાબતે રકઝક થઈ હતી. આ રકઝક બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને હોટેલમાં પ્રવેશીને પોલીસનો રોફ દર્શાવી હોટેલના કર્મચારીને બેશરમતાથી ફટકાર્યો હતો.
પોલીસના સગાને હોટલકર્મી સાથે રકઝક થઇ હતી
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે પોલીસ સ્ટાફની દાદાગીરીને સ્પષ્ટ દર્શાવે છે. જોકે શરૂઆતમાં હોટેલનો કર્મચારી પોલીસ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ કરવા મક્કમ હતો પરંતુ ત્યારબાદ માફા-માફી થઈ જતાં તેણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. હવે સવાલ એ ઊભો થયો છે કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ વિવાદાસ્પદ પોલીસ સ્ટાફ પર કોઈ કાર્યવાહી કરશે કે કેમ?













