રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર પડેલી જોખમી તિરાડો અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. 2023માં અંદાજે 90 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ફ્લાયઓવર બ્રિજ પર ત્રણથી ચાર ઇંચ જેટલી મોટી અને જોખમી તિરાડો જોવા મળી હતી. આ તિરાડોને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી હતી.
ગોંડલ ચોકડી બ્રિજની જોખમી તિરાડ પુરવામાં આવી
'સંદેશ ન્યૂઝ' દ્વારા જનતાના આ પ્રશ્નને વાચા આપી તંત્રની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી હતી. અહેવાલ પ્રસારિત થતાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બ્રિજ પરની આ જોખમી તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બ્રિજની સુરક્ષા ચકાસી કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.













