રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં ગત 17મી એપ્રિલના રોજ સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં જંગલેશ્વર વિસ્તારના વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે. પુરપાટ ઝડપે આવતી એસ.ટી. વોલ્વો બસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બસ ચાલકની બેદરકારીને કારણે વૃદ્ધા બસના તોતિંગ પૈડા નીચે આવી ગયા હતા.


જંગલેશ્વરના હલુબેન ચાવડાનું સારવાર દરમિયાન મોત

જંગલેશ્વરના હુસેની ચોક વિસ્તારમાં રહેતા હલુબેન ચાવડા નામના વૃદ્ધા પારેવડી ચોક પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવતી વોલ્વો બસે તેમને ટક્કર મારી કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં હલુબેનને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે ટૂંકી સારવાર બાદ તેમણે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.

વોલ્વો બસના ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ

આ અકસ્માત મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોલ્વો બસના ડ્રાઈવર રણજીતસિંહ વાઘેલા સામે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. CCTV ફૂટેજમાં ડ્રાઈવરની ગફલત સ્પષ્ટપણે દેખાતી હોવાથી પોલીસે આ ફૂટેજને મહત્વના પુરાવા તરીકે કબજે કર્યા છે. આ ઘટનાને પગલે એસ.ટી. તંત્ર દ્વારા પણ આંતરિક તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: