રાજકોટ શહેરમાંથી મહાનગરપાલિકા (RMC)ની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલતો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી પાસે મુખ્ય રસ્તા પર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન કરાતાં સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અકસ્માત રોકવા સ્થાનિકોએ પૂંઠા અને લાકડાની આડશ કરી
વ્યસ્ત ગણાતા આ માર્ગ પર ગટરનું ઢાંકણું તૂટી જતાં મોટો ખાડો પડી ગયો છે. વાહનચાલકો કે રાહદારીઓ આ ખુલ્લી ગટરમાં ખાબકે નહીં અને કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક રહીશોએ પોતે જ આગળ આવીને વ્યવસ્થા કરવી પડી હતી. લોકોએ ગટરની આસપાસ પૂંઠા, લાકડા અને પથ્થરો ગોઠવીને કામચલાઉ આડશ (બેરિકેડ) ઊભી કરી દીધી છે, જેથી દૂરથી આવતા વાહનચાલકો સતર્ક થઈ શકે.













